નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચડી રહ્યો છે. ઘણી દવા કંપનીઓ કોરોનાની દવા ભારતમાં લોન્ચ કરી છે. જ્યારે કોરોનાથી બચવા અનેક લોકો આયુર્વેદીક પદ્ધતિ પણ અજમાવી રહ્યા છે. આ દરમિયાન ભારતની એક ટોચની સંસ્થાએ લીમડાનો રસ પીવાથી કોરોનોને ભગાડી શકાય કે નહીં તે દિશામાં સંશોધન શરૂ કર્યું છે.


ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ બંને સંસ્થાઓ લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે તેનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણને ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે. AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય પરીક્ષણકર્તા રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.

આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરશે કે લીમડાનું તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલો કારગર છે. આ રિસર્ચમાં મુખ્યત્વે જાણી શકાશે કે આ રોગથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને લીમડાની કેપ્સ્યુલ્સ કેટલી અસરકારક છે. આ પરીક્ષણ માટે જે લોકો પર કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ દર્દીઓની 28 દિવસ સુધી તપાસ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 28 લાખ 36 હજાર 952 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ 86 હજાર થઈ છે અને 20 લાખ 96 હજાર 664 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા દર્દી સામે આવ્યા છે અને 977 લોકોના મોત થયા છે. સંક્રમણના સક્રિય મામલાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 2.93 ગણી વધારે છે.