મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. લાંબા સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. આજે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું, અમારી પાસે વિધાનસભામાં એકલા સરકાર બનાવવા માટે પર્યાપ્ત સંખ્યા નથી અને એવામાં પાર્ટી એકલા સરકાર નહી બનાવી શકે. રાજ્યપાલે શનિવારે ભાજપને સરકાર બનાવવા માટે પુછ્યું હતું બાદમાં આજે ફડણવીસ સહિત ભાજપના નેતાઓ રાજ્યપાલ ભગતસિંઘ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. ચંદ્રકાન્ત પાટિલે કહ્યું, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે.


મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું- જો શિવેસેના કોંગ્રેસ-NCP સાથે મળીને સરકાર બનાવવા માગતા હોય તો અમારી તેમને શુભેચ્છા છે. તેમણે કહ્યું ભાજપ-શિવસેનાને જનાદેશ મળ્યો હતો જેથી સાથે મળીને કામ થઇ શકે પરંતુ શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે.

ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો પર જીત મેળવી હતી. 288 સદસ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે. ભાજપની સહયોગી શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી છે, પરંતુ બંને વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. 13મી વિધાનસભાનો કાર્યકાળ શનિવારે પૂર્ણ થયો છે.