નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો એજન્સી એટલે કે સીબીઆઈએ 332 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે તપાસ કરતાં 9 સ્થળ પર રેડ પાડી છે. આ મામલે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ અને કેટલાક નોકરશાહોના નામ સામેલ છે. આ દરોડા આઈઝોલ, ઇમ્ફાલ અને ગુડગાંવમાં પાડવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ઇબોબી સિંહના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.


નોંધનીય છે કે આ મામલે મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ ઈબોબી સિંહ અને અન્ય લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ રેડ દરમિયાન ઈબોબી સિંહના ઘરે સીબીઆઈએ નોટબંધી પહેલાના ચલણમાં 26.49 લાખ રુપિયા મળ્યા હતાં.



તેમણે જણાવ્યું કે નોટબંધી પહેલાનું ચલણ રાખવું એ ગુનો છે. જેના પર મળી આવેલી રકમનો પાંચ ગણો દંડ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈએ ઈબોબી સિંહ અને મણિપુર ડેવલપમેન્ટ સોસાયટી (એમડીએસ)ના એક પૂર્વ આઈએએસ અધિકારીના રહેઠાણ પર આઈઝોલ, ઈમ્ફાલ અને ગુડગાવમાં રેડ પાડી હતી.

એવો આરોપ છે કે એમડીએસના તત્કાલીન અધ્યક્ષ ઓકરામ ઈબીબી સિંહે જુન 2009થી જુલાઈ 2017 વચ્ચે પોતાના કાર્યકાળ દરમિયાન કેટલાક અન્ય લોકો સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું અને કુલ 518 કરોડ રુપિયાના સરકારી ફંડમાંથી લગભગ 332 કરોડ રુપિયા ચાઉં કર્યા હતાં. સીબીઆઈએ મણિપુર સરકારની વિનંતી પર કેસ દાખલ કર્યો છે.