નવી દિલ્હીઃ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વધાવનને સીબીઆઇએ પોતાની કસ્ટડીમાં લીધા હતા. આ બંન્નેની ધરપકડની દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ બંન્નેને મુંબઇ લાવવામાં આવશે. સીબીઆઇના  આગ્રહ પર સતારા પોલીસ  તેમને જરૂરી સુરક્ષા આપી રહી છે. સીબીઆઇના સૂત્રોના મતે વધાવન ભાઇઓ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.



વાસ્તવમાં દીવાન હાઉસિંહ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કપિલ વધાવન અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધીરજ વધાવન વિરુદ્ધ મની લોન્ડ્રરિંગ મામલામાં તપાસ ચાલી રહી છે જેમાં કપિલ વધાવનને ઇડીએ ધરપકડ કરી હતી. પરંતુ હાલમાં તે જામીન પર બહાર છે. જ્યારે યસ બેન્ક કૌભાંડ મામલામાં રાણા કપૂર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે જેમાં પણ મની લોન્ડ્રરિંગની તપાસના દાયરામાં વધાવન ભાઇઓ ઇડી અને સીબીઆઇના રડાર પર છે.

વધાવન ભાઇઓને કસ્ટડીમાં લેતા અગાઉ સીબીઆઇએ બંન્નેને કોર્ટમા રજૂ કરશે. વધાવન ભાઇઓ વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ પર પાંચ મે સુધી રોક હતી પરંતુ તાજેતરમાં જ તેને રદ કરવામાં આવી હતી. સીબીઆઇની ટીમ બંન્ને ભાઇઓને લેવા માટે મહાબળેશ્વર સ્થિત ઘર પહોંચી છે. અહી તેમને કસ્ટડીમાં લીધા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.