CDS Bipin Rawat Died: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું નિધન થયું છે. તમિલનાડુના કુનુરમાં એરફોર્સનું હેલિકોપ્ટપ ક્રેશ બાદ જનરલ રાવત ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની સાથે હેલિકોપ્ટરમાં પત્ની અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. એરફોર્સે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. એરફોર્સે કહ્યું કે 14માંથી 13 લોકોના મોત થયા છે. એકની સારવાર ચાલી રહી છે.
આ કોઇ પ્રથમ ઘટના નથી બની જેમાં દેશે મોટી હસ્તીને હવાઇ દુર્ઘટનામાં ગુમાવી હોય. આ અગાઉ અનેક મોટા રાજનેતા વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા છે.
વાઇએસ રાજશેખર રેડ્ડી
આંધ્રપ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા રાજશેખર રેડ્ડીનું મોત 2009માં રુદ્રકોંડા હિલમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું. રેડ્ડી કોગ્રેસના સૌથી જાણીતા ચહેરાઓમાંના એક હતા અને તેમણે 2009માં પાર્ટીને સત્તામાં વાપસી કરાવવામાં મદદ કરી હતી.
માધવરાવ સિંધિયા
સપ્ટેમ્બર 2001માં વરિષ્ઠ કોગ્રેસ નેતા માધવરાવ સિંધિયાનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. સિંધિયા અને છ અન્ય લોકોને લઇને જઇ રહેલા એક પ્રાઇવેટ પ્લેન ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના બહારના વિસ્તારમાં ક્રેશ થયું હતું.
જી એમ સી બાલયોગી
લોકસભાના અધ્યક્ષ રહી ચૂકેલા જીએમસી બાલયોગીનું 3 માર્ચ 2002ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કૈકલૂરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું થયું હતું. બાલયોગી 1998માં લોકસભાના સ્પીકર પસંદ કરાયા હતા. તેઓ 1999માં ફરીથી 13મી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. તેઓ લોકસભાના પ્રથમ દલિત સ્પીકર હતા.
મોહન કુમારમંગલમ
કોગ્રેસ નેતા મોહન કુમારમંગલમનું 1973ના નવી દિલ્હી પાસે ઇન્ડિયન એરલાઇન્સના વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. મોહન પ્રથમ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં હતા પરંતુ બાદમાં કોગ્રેસમાં સામેલ થયા હતા.
ઓમ પ્રકાશ જિંદલ
હરિયાણાના તત્કાલિન વિજળી મંત્રી અને એક જાણીતા બિઝનેસમેન ઓપી જિંદલનું નિધન 31 માર્ચ 2005ના રોજ ઉત્તર પ્રદેશના સરાહનપુરની પાસે હેલિકોપ્ટર દુર્ઘટના થઇ હતી. જિંદલ 1996થી 1997 સુધી નાગરિક પુરવઠા મંત્રી હતા.
સુરેન્દ્રનાથ
પંજાબના રાજ્યપાલ સુરેન્દ્રનાથ અને તેમનો પરિવારના નવ સભ્યોનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. 9 જૂલાઇ 1994ના રોજ હિમાચલપ્રદેશમાં ખરાબ હવામાનમાં પર્વતોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેઓ તે સમયે હિમાચલ પ્રદેશના કાર્યવાહક રાજ્યપાલ હતા.
સંજય ગાંધી
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના દીકરા સંજય ગાંધીનું જૂન 1980માં દિલ્હીમાં એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું.