નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. હવે તેની વચ્ચે કેન્દ્ર સરકારે દેશના તમામ સ્મારકોને ખોલવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના કારણે લગભગ છેલ્લા ત્રણેક મહિનાથી પ્રવાસન સ્થળો બંધ છે. એવામાં મળતી માહિતી અનુસાર જુલાઈથી આ સ્મારકોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તાજ મહેલ પણ સામેલ છે.


પ્રવાસન સ્થળો ખોલવાની જાણકારી કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ સિંહ પટેલ દ્વારા આપવામાં આવી હતી. પ્રહલાદ સિંહ પટેલે કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે, તમામ સ્મારક 6 જુલાઈથી ખોલવામાં આવશે. આ સ્મારક પૂરતી સુરક્ષા સાથે ખોલવામાં આવશે. કોરોનાથી બચવા માટે પૂરી તૈયારી કરવામાં આવશે અને તેના માટે દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.



ઉલ્લેખનીય છે કે, 17 માર્ચે સાંસ્કૃતિક મંત્રાલયે પુરાતત્વ વિભાગને તમામ ટિકિટવાળા સ્માર્ક તથા અન્ય તમામ સંગ્રહાલય 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ 25 માર્ચથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. તેના બાદ જ્યારે પહેલી જૂનથી કેટલાક ક્ષેત્રોમાં કામકાજ કરવાની છૂટ આપવામાં આવી હતી ત્યારે મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આધીન 820 ધાર્મિક સ્થળોને ખોલી દીધાં હતા.