જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખેડૂતોની દેવા માફી બાદ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. ગેહલોતે જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં બેરોજગાર લોકોને 3500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે અને માર્ચ મહિનાથી બેરોજગારી ભથ્થું મળવાનું શરૂ થઈ જશે. રાજસ્થાન યુનિવર્સિટીના એક કાર્યક્રમને સંબોધન કરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે બેરોજગાર યુવાઓને પ્રતિ મહિને ત્રણ હજાર અને મહિલાઓને 3500 રૂપિયા ભથ્થું મળશે.


ગેહલોતે કહ્યું કે અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપીશું. ગેહલોતે કહ્યું 1 માર્ચથી અમે તમામ બેરોજગારોને 2 વર્ષ સુધી 3500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું. અત્યાર સુધી બેરોજગારોને 600 રૂપિયા બેરોજગારી ભથ્થા તરીકે મળી રહ્યું છે. ગેહલોતે કહ્યું કે આ 600 રૂપિયા પણ અમે જ શરૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કૉંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે બેરોજગારોને વચન આપ્યું હતું કે સત્તામાં આવશે તો બેરોજગારી ભથ્થુ આપવામં આવશે અને એક અભિયાન ચલાવીને યુવા કૉંગ્રેસ અને એનએસયૂઆઈના કાર્યકર્તાઓને બેરોજગારો પાસે ફોર્મ ભરાવ્યા હતા. ગહેલોતે કહ્યું કે સરકારમાં આવ્યાને હજુ અમને સવા મહિનોજ થયો છે પણ અમે અત્યારથીજ ચૂંટણી ઢંઢેરામાં આવેલા વચનો પૂરા કરવાનું શરુ કરી દીધું છે. જે દેખાડે છે અમે અમારા વચનો પ્રતિ કેટલા ગંભીર છે.