વિદેશ મંત્રાલયે કહ્યું કે, USCIRFની તરફથી જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી આશ્ચર્ય નથી થતું કેમકે તેઓનો રેકોર્ડ જ એવો છે. જોકે, એ ટીકાને પાત્ર છે કે સંસ્થાએ જમીની હકીકતની ઓછી જાણકારી હોવા છતા આ પ્રકારનું નિવેદન આપ્યું છે.
રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ કોઇપણ પ્રકારે ભારતમાં રહેતા લોકોને પ્રભાવિત નથી કરતું. સંસ્થાએ પોતાના નિવેદનમાં જે ભલામણ કરી છે, તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. દરેક દેશને પોતાની પોલિસી હેઠળ કાયદો બનાવવાનો અધિકાર છે, જેમાંથી અમેરિકા પણ સામેલ છે.
નોંધનીય છે કે, અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે.
USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે.
આ મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRCની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. સૌને પૂરતા અધિકાર આપનારું આ બિલ છે. એ બાબત અફસોસજનક છે કે USCIRFએ આ પ્રકારની બાબતમાં પક્ષપાત પ્રેરિત વાત કરી છે, જે અંગે તેને કોઈ જ અધિકાર નથી.