રાયપુર: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાજીવ ગાંધીની 29મી પુણ્યતિથિ પર ‘રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના’ની શરૂઆત કરી છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જોડાયા હતા. છત્તીસગઢ સરકાર કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં પ્રથમ એવી સરકાર છે જેમણે ન્યાય યોજના લાગુ કરી છે.


રાહુલ ગાંધીએ કહ્યું, કોરોના બીમારીના કારણે સૌથી વધુ નુકસાન ગરીબો અને ખેડૂતોને થયું છે. હવે ન્યાય યોજનાથી તે લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે, “છત્તીસગઢના ગરીબો, ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, બિઝનેસમેન, યુવાઓ, મહિલાઓ સાથે અમે ઉભા છીએ, જે પણ મદદ અમે કરી શકીએ છીએ તે કરી રહ્યાં છે અને કરતા રહીશું.”

‘રાજીવ ગાંધી ન્યાય યોજના’ હેઠળ 19 લાખ ખેડૂતોને ફાયદો થશે. એક વર્ષમાં 5700 કરોડ રૂપિયા ચાર હપ્તામાં સીધા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ સિવાય શેરડી પકવતા ખેડૂતોને પણ લગભગ 10 કરોડ રૂપિયાનો સીધો ફાયદો છત્તીસગઢ સરકાર દ્વારા મળશે. પ્રથમ હપ્તો ડાંગર પકવતા 18,34,834 ખેડૂતોને આપવામાં આવશે. જ્યારે શેરડીના 34,637 ખેડૂતોને 73.55 કરોડની સબ્સિડી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 2019 લોકસભા ચૂંટણીથી આ ન્યાય યોજનાની હિમાયત કરતા આવ્યા છે. લોકસભા ચૂટણી દરમિયાન કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ન્યાય યોજના લાવવાની જાહેરાત કરી હતી. તેના હેઠળ દેશના લગભગ 25 કરોડ લોકોના ખાતામાં 7500 રૂપિયા મહિનામાં મોકલવાની યોજના હતી પરંતુ કૉંગ્રેસ સત્તામાં આવી નથી. કોરોના મહામારીમાં પણ રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને નોબેલ વિજેતા અબિજીત બેનર્જી સાથે દેશની અર્થવ્યવસ્થા પર વાતચીત કરી હતી. તે દરમિયાન પણ ન્યાય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.