છિંદવાડા: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા પૂરાવા માંગ્યા છે. કમલનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા દેશની જનતાને આપવા જોઈએ. સાથે તેમણે કહ્યું, મોદી સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા અને રાજનીતિક ફાયદા માટે રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવે છે, પણ જનતા હવે સમજી ગઈ છે. તેમનાથી ગુમરાહ થવાની નથી.


કમલનાથે પોતાના ગૃહનગર છિંદવાડામાં ગુરુવારે ગૌશાળાનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, તમને યાદ છે. જ્યારે (પૂર્વ પ્રધાનમંત્રી) ઈન્દિરા ગાંધીની સરકાર સમયે 90 હજાર પાકિસ્તાની જવાનોએ સરેન્ડર કર્યું હતું. પરંતુ તેઓ તે વાત નહીં કરે. કમલનાથે વધુમાં કહ્યું, (મોદી) તેઓ કહે છે કે અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી, કઈ સર્જિકલ સ્ટ્રાઈક કરી ? દેશને કંઈક તો જણાવો.

આ ઉપરાંત તેમણે યુવાનોને રોજગારી આપવાના મુદ્દા પર પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી પરંતુ તેઓ અત્યારે આ મુદ્દા પર વાત નથી કરતા.

કમલનાથે કહ્યું, આજે તેઓ રાષ્ટ્રવાદની વાતો કરશે, રાષ્ટ્રવાદ વિશે કયો પાઠ આપણને ભણાવશે ? મોદીજી પોતાની પાર્ટીના એક નેતાનું નામ તો જણાવો જે સ્વતંત્રતા સેનાની રહ્યા હોય. એક પણ સ્વતંત્રતા સેનાની તેમની સાથે ક્યારેય નથી રહ્યાં, ભાજપમાં ક્યારેય નહીં અને તેઓ આપણને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા આવ્યા છે.