નવી દિલ્હી: કૉંગ્રેસમાં રાજીનામાના સંકટ વચ્ચે આજે દિલ્હીમાં કૉંગ્રેસ શાસિત રાજ્યોના પાંચ મુખ્યમંત્રીઓએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુખ્યમંત્રીઓમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, છત્તસીગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણ સામી સામેલ હતા.


કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું, સારી વાતચીત થઈ છે, અમે પોતાના કાર્યકર્તાઓની વાતથી તેમને અવગત કરાવ્યા. અમે ખૂલીને તેમની સાથે વાતચીત કરી. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે, તેમણે અમારી વાત ધ્યાનથી સાંભળી હતી. અમને આશા છે કે તેઓ અમારી વાત પર ધ્યાન આપશે અને યોગ્ય સમય આવે ત્યારે યોગ્ય નિર્ણય લેશે. અમે તેમને મળી અમારી ભાવના વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલા મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કરી પરિણામના એક મહિના બાદ હારની જવાબદારી સ્વીકારી હતી. સાથે જ તેમણે રાહુલ ગાંધી પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલા ટ્વિટ કરી કહ્યું 2019ની ચૂંટણીમાં હારની જવાબદારી અમારા બધાની છે.

લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. પરંતુ કૉંગ્રેસ કાર્યસમિતિએ તેમના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી રાજકીય ખેંચતાણ બાદ રાહુલ ગાંધી રાજીનામા પર અડગ છે.