Rahul Gandhi Meets Danish Ali: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (21 સપ્ટેમ્બર)ના રોજ BSP સાંસદ દાનિશ અલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ દાનિશ અલીને ગળે લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ X પર આ મીટિંગનો ફોટો શેર કર્યો છે.
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "નફરત કે બાઝાર મે મહોબ્બત કી દુકાન " કોંગ્રેસે બંને નેતાઓની મુલાકાત અંગે X પર પોસ્ટ કરીને લખ્યું, "રાહુલ ગાંધી તેમને મળવા BSP સાંસદ દાનિશ અલીના ઘરે પહોંચ્યા હતા."
કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું
કોંગ્રેસે આગળ લખ્યું, "ગઈકાલે સંસદમાં ભાજપના સાંસદ રમેશ બિઘૂડીએ દાનિશ અલીનું અપમાન કર્યું હતું, તેમને અત્યંત અશિષ્ટ અને અસંસદીય અપશબ્દો કહ્યા હતા અને ભાજપના બે ભૂતપૂર્વ મંત્રીઓ અશ્લીલ રીતે હસતા રહ્યા હતા. રમેશ બિધુરીનું આ શરમજનક કૃત્ય સદનની ગરિમા પર કલંક છે. કોંગ્રેસ દેશભરની સાથે લોકશાહીના મંદિરમાં નફરત અને આવી માનસિકતાનો સખત વિરોધ કરે છે."
રમેશ બિઘૂડીએ લોકસભામાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી
બીજેપી સાંસદ રમેશ બિઘૂડીએ ગુરુવારે સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વિપક્ષી દળોએ રમેશ બિઘૂડીના નિવેદનની નિંદા કરી છે અને લોકસભા અધ્યક્ષ પાસેથી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભાજપ સાંસદ રમેશ બિધુડીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી સાથે ખરાબ વર્તન કર્યું. દાનિશ અલી સાથે દુર્વ્યવહાર કરી અપશબ્દો કહ્યા હતા. આ અંગે હોબાળો મચી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતી, રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને કૉંગ્રેસના જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ ભાજપના સાંસદની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન દાનિશ અલીએ કહ્યું છે કે તેઓ ખૂબ જ દુઃખી છે અને અપમાનને કારણે આખી રાત સૂઈ શક્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે જો સાંસદ બિઘૂડી સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેઓ સંસદ છોડવાનું પણ વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા માયાવતીએ પણ અપમાનના મુદ્દે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. દાનિશ અલીએ કહ્યું કે જો લોકસભામાં ચૂંટાયેલા સાંસદ સાથે આવું થઈ શકે તો સામાન્ય લોકોનું શું થશે.