નવી દિલ્હીઃ ભારતીય સરહદની અંદર ચીનના કથિત આક્રમણને લઈ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત હુમલા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે ચીને ભારતની જમીન પર કબજો કરી લીધો છે. હવે રાહુલે એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં લદ્દાખવાસીઓ ચીની સૈનિકોની ઘૂસણખોરીની વાત કહી રહ્યા છે. કોંગ્રેસ નેતા સરકારને લદ્દાખમાં રહેતા લોકોનો અવાજ સાંભળવા કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર લદ્દાખના લોકોની ચેતવણીની અવગણના ભારતને મોંઘી પડશે.

રાહુલ ગાંધીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું, દેશભક્ત લદ્દાખી ચીની  ઘૂસણખોરો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ રાડો પાડીને કહી રહ્યા છે. તેમની ચેતવણીની અવગણના કરવી ભારતને મોંઘી પડશે. મહેરબાની કરી તેને સાંભળો.



આ ઉપરાંત તેમણે કહ્યું કે, લદ્દાખના નાગરિકો દાવો કરે છે કે ચીને તેમની જમીન આંચકી લીધી છે, વડાપ્રધાન કંઈક બીજુ કહે છે. આ બેમાંથી કોઈક ખોટું બોલે છે. તેઓ અગાઉ પણ પીએમ મોદી પર ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે ખોટું બોલવાનો અને સરન્ડર કરવાનો આરોપ મુકી ચુક્યા છે.

લદ્દાખ સરદહે ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વડાપ્રધાન મોદીએ શુક્રવારે અચાનક લેહની મુલાકાત લઈને ચોંકાવી દીધા હતા. લેહમાં જવાનોને સંબોધતા તેમણે લદ્દાખને ભારતનો મહત્વનો ભાગ ગણાવ્યો હતા. મોદીએ કહ્યું, લદ્દાખનો આ સંપૂર્ણ ભાગ ભારતનું મસ્તક છે. ભારતના માન-સન્માનનું પ્રતિક છે.