નવી દિલ્હી: રવિવારે સવારે રાજસ્થાન પોલીસે અભિનેત્રી પાયલની ધરપકડ કરી છે. તેણે ગાંધી-નહેરૂ પરિવાર વિશે આપત્તિજનક વાતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કરી કહ્યું કે પાયલને છોડી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી પાયલને રાજસ્થાન પોલીસે પુછપરછ અને તપાસ માટે ધરપકડ કરી હતી. બાદમાં પાયલે ટ્વિટ કરી કહ્યું મને રાજસ્થાન પોલીસે મોતીલાલ નેહરૂ પર વીડિયો બનાવવા માટે ધરપકડ કરી છે જે મે ગુગલની જાણકારીના આધાર પર બનાવ્યો હતો. ફ્રીડમ ઓફ સ્પીચ એક મજાક છે.


હવે કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે અભિનેત્રીને છોડવાની માંગ કરતા પોતાના ટ્વિટમાં લખ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. થરૂરે સ્પષ્ટ કરતા લખ્યું કે પાયલે જે પણ કોમેન્ટ કરી તે ખોટી હતી અને વોટ્સએપ પર પ્રસારિત થતા સંઘી મેસેજ જેવી હતી.


શશિ થરૂરે લખ્યું, એમાં કોઈ શક નથી કે પાયલે જે ટિપ્પણી કરી તે ખોટી હતી જેમ કે વોટ્સએપ પર પ્રસારિત થતા સંઘી મેસેજ, પંરતુ પાયલની ધરપકડ કરવી યોગ્ય નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે તેને બોલવા દેવામાં આવે. પોલીસે આમા સામેલ ન થવું જોઈએ.