રાજસ્થાનના રાજકીય મુદ્દે શરુઆતથી જ ભાજપ પર હુમલાવર રહેલી કૉંગ્રેસે એલાન કર્યું છે કે, સોમવારે સવારે 11 વાગ્યે દેશભરના રાજભવનો એટલે કે રાજ્યપાલો, ઉપ રાજ્યપાલોના આવાસની બહાર ભાજપ વિરુદ્ધ “લોકતંત્ર બચાવો- સંવિધાન બચાવો”ની માંગ સાથે વિરોધ પ્રદર્શ કરશે. સોમવાર સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન મામલે સુનાવણી પણ થવાની છે.
કૉંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો કે, દેશના બંધારણીય અને લોકતાંત્રિક ઢાંચા પર ભાજપ હુમલો કરી રહી છે. પૈસા, ડર અને સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભાજપ, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી વિરોધી દળની સરકારનો અસ્થિર કરી રહી છે.
રાજસ્થાનના રાજ્યપાલ પર પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે, રાજ્ય મંત્રિમંડળની ભલામણ બાદ પણ રાજ્યપાલ વિધાનસભા સત્ર નથી બોલાવી રહ્યાં, જેથી ધારાસભ્યોના ખરીદ-વેચાણને પ્રોત્સાહન મળી શકે. ગંદી રાજનીતિ માટે ભાજપ રાજ્યપાલ જેવા બંધારણીય પદનો દુરુપયોગ કરી રહી છે.
કે.સી. વેણુગોપાલે કહ્યું, દેશ કોરોના મહામારી, પૂર અને ગંભીર આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદ-વેચાણ કરીને સરકારો પાડવામાં લાગેલી છે. જેનાથી કોરોના સામે ચાલી રહેલી લડાઈ પ્રભાવિત થઈ રહી છે. આ મહામારીમાં ભાજપે પહેલા મધ્યપ્રદેશની સરકાર પાડી દીધી અને હવે એવી જ રીતે રાજસ્થાનમાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.