નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને તમામ દેશવાસીઓને કોરોના રસી ફ્રીમાં આપવાની અપીલ કરી હત. આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સમક્ષ દિલ્હી અને દેશના તમામ રાજ્યોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું, કોરોના સદીની સૌથી મોટી મહામારી છે. આપણા લોકોને સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે. મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે કોરોના વેક્સિન તમામ દેશવાસીઓને ફ્રીમાં આવે. તેના પર થનારો ખર્ચ અનેક ભારતીયોના જીવ બચાવવામાં સહાયક થશે.

પ્રધાનમંત્રી મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. દિલ્હીના સીએમ કેજરીવાલ પણ આ બેઠકમાં હિસ્સો લેશે. કેજરીવાલ બેઠકમાં દેશભરમાં ફ્રી વેક્સિન લગાવવાનો મુદ્દો ઉઠાવી શકે છે. કોરોના વેક્સિનને લઇ બોલાવવામાં આવેલી આ બેઠક સોમવારે સાંજે 4 વાગે યોજાશે.



દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,222 નવા કેસ નોધાયા છે અને 228 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,04,31,639 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસ 2,24,190 છે. દેશમાં 1,00,56,651 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,50,798 પર પહોંચ્યો છે.