દેશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ અને દિલ્હીમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. આ પહેલા પીએમ મોદીએ દેશમાં કોરોના મહામારીની હાલત પર 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.
કોરોનાના 63 ટકા એક્ટિવ કેસ આ સાત રાજ્યોમાં જ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર મહારાષ્ટ્ર અને યૂપી ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી પણ આ બેઠકમાં સામેલ થશે.
દેશના કોરોનાના કુલ કેસમાંથી 65.5 ટકા અને કુલ મૃત્યુમાંથી 77 ટકા કેસ પણ આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય પાંચ રાજ્યોની સાથે સાથે પંજાબ અને દિલ્હીમાં હાલમાં જ કુલ કેસની સંખ્યમાં ઝડપથી વધારો નોંધાયો છે.
કોરોનાના કેસની બાબતે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પરંતુ રાહતની વાત છે કે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. અહીં કોરોના કેસની સંખ્યા 12,24,380 પર પહોંચી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 24 કલાકમાં કોરોનાના 75,083 નવા કેસ અને 1,053 લોકોના મોત થયા છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 55,62,664 પર પહોંચી છે. જેમાંથી 9,75,861 એક્ટિવ કેસ છે. જ્યાર 44,97,868 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં 88,935 લોકોના કોરોનાથી મોત થયા છે.