ભોપાલ: મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામં મળેલી બેઠકમાં મધ્યપ્રદેશમાં 21 માર્ચે ઈન્દોર, ભોપાલ અને જબલપુરમાં એક દિવસનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં વકરી રહેલા કોરોનાને નાથવા રાજ્ય સરરકારે 21 માર્ચ એટલે કે રવિવારે રાજધાની ભોપાલ સહિત ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉનની જાહેરાત કરી છે.


રાજ્ય સરકાર દ્વારા આદેશ અનુસાર, ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે ભોપાલમાં સીએમ શિવરાજસિંહ ચોહાણે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો હતો. શુક્રવારે પશ્ચિમ બંગાળથી પરત આવ્યાં બાદ મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.



ત્રણ શહેરોમાં એક દિવસનું લોકડાઉન છતાં જીવન જરુરિયાતની સેવાઓ ચાલુ રાખવાનો પણ નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ફરી વાર પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે લોકડાઉન જરુરી છે. લોકોને મારી અપીલ છે કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે. ખોટી ભીડ ન કરવામાં આવે અને કોરોનાને ફેલાતો રોકવામાં તેનું યોગદાન આપે. મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો માસ્ક પહેરતા નથી તેઓ બીજા લોકોનું જીવન પણ ખતરામા મૂકે છે.


ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં આજે 25,681 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 70 લોકોના મોત થયા છે.  મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ  24,22,021 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી  21,89,965 લોકો સ્વસ્થ થયા છે અને  53,208 લોકોના મોત થયા છે.  1,77,560 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. 


લોકડાઉનને લઈને મુખ્યમંત્રીનું નિવેદન


કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન  વિકલ્પ છે પરંતુ તેમને વિશ્વાસ છે કે લોકો પોતે જ નિયમોનું પાલન કરશે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ગત વર્ષે મહામારી શરૂ થઈ હતી, ત્યારે વાયરસ સામે લડવા માટે કંઈ નહોતું, પરંતુ હાલ આપણી પાસે ઢાલ તરીકે રસી તો છે. હવે પ્રાથમિક્તાએ છે કે તમામને રસી આપવામાં આવે. રસીકરણ માટે લોકોએ આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કેંદ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે રસીની અછત નહી થાય.