Corona New Variant Omicron: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.  


WHOએ દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોના દેશોમાં નિરીક્ષણ વધારવા, જાહેર સ્વાસ્થ્યને મજબૂત કરવા અને રસીકરણનું કવરેજ વધારવા માટે પણ સરકારોને સલાહ આપી છે. ઉપરાંત ઉત્સવો અને સમારંભોમાં પણ લોકોને સાવચેતીના ઉપાયો અપનાવવા સાથે ભીડ અને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યું છે.  


WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. એનડીટીવી સાથે વાત કરતાં તેમણે શક્ય તમામ સાવધાની રાખવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું, તમારા ખિસ્સામાં વેક્સિન રાખેલી છે, જે વિશેષ રીતે ઈનડોર સેટિંગ્સમાં વધારે પ્રભાવી છે.


 સ્વામીનાથને કહ્યું, આ વેરિયંટ ડેલ્ટાની તુલનમાં વધારે સંક્રામક હોઈ શકે છે. જોકે હાલ તેના વિશે સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય. આપણને થોડા દિવસોમાં તેના સ્ટ્રેન અંગે જાણવા મળશે. સ્વામીનાથને કહ્યું, નવા કોવિડ વેરિયંટની વિશેષતા ઓળખવા આપણે વધારે સ્ટડી કરવાની જરૂર છે.


કોરોનાનો નવો સ્ટ્રેન Omicron શેમાંથી ફેલાયો હોઈ શકે છે ?


લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.