નવી દિલ્હીઃ દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના બાગપતમાં કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે. નેપાળના રહેવાસી આ વ્યકિતનો ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે બાદ સોમવારે રાત્રે તે ફરાર થઈ ગયો હતો.


અધિકારીઓના જણાવ્યા મુજબ, તબલીગી જમાત સાથે કનેકશન ધરાવતા આ વ્યક્તિની સારવાર ખેકડા પીએચસીમાં ચાલતી હતી. સોમવારે મોડી રાતે ડોક્ટરના સ્ટાફને તે ચકમો આપીને નાસી છૂટ્યો હતો. આ વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. હવે આ વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.

તબલીગી જમાતનું કોરોના કનેકશન સામે આવ્યા બાદ બાગપતમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં મરકઝથી પરત ફરેલા 26 જમાતીની ઓળખ થઈ હતી. જેમાં 17 નેપાળાના રહેવાસી હતા. તેમના સંપર્કમાં આવેલા 250થી વદારે લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાંથી 100 લોકોને તાવ-ઉધરસની ફરિયાદ બાદ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

તંત્ર દ્વાર 5 લોકોના નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી નેપાળના રહેવાસી વ્યક્તિને કોરોનાની પુષ્ટિ થઈ હતી. જે બાદ કોરોના માટે બનાવવામાં આવેલી લેવલ-1 હોસ્પિટલ ખેકડા પીએચસીમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલતી હતી પરંતુ સોમવારે રાતે ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.