નવી દિલ્હીઃ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિકલ ઈને ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં પોતાની કોવિડ-19 વેક્સિન Corbevax લોન્ચ થવાની આશા છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. બાયોલોજિકલ દ્વારા બનાવવામાં આવી રહેલી આ વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ પહેલા પ્રથમ અને બીજા તબક્કાના સારા પરિણામ આવ્યા છે.
ભારતમાં હાલ કઈ-કઈ રસી આપવામાં આવી રહી છે
નાગરિકોને સુરક્ષિત, પ્રભાવી, સસ્તી અને સુલભ કોવિડ-19 વેક્સિન ડોઝ પૂરા પાડવાના મિશન સાથે આગળ વધતાં કેન્દ્ર સરકારે બાયોલોજિકલ ઈને કોવિડ વેક્સિનના પ્રીક્લિનિકલ સ્ટેજથી લઈ ત્રીજા તબક્કા સુધી સપોર્ટ કર્યો છે. હાલ દેશમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિકની રસી આપવામાં આવી રહી છે. 12-18 વર્ષના બાળકો માટે ઝાયડસ કેડિલાની રસી સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ 40 હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,361 નવા કેસ નોંધાયા અને 416 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,968 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 2,977 એક્ટિવ કેસ વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 25 જુલાઈ સુધી 43 કરોડ 51 લાખ કરતાં વધારે કોરોના રસીના ડઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખ 99 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. આઈસીએમઆરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરાયા છે. ગઈકાલે 11.54 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી વધારે છે.
દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.