Corona Vaccine: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનનો સપ્લાય સ્થગિત કરી દીધો છે. નિરીક્ષણમાં જોવા મળેલી ખામીઓને દૂર કરવા અને સુવિધાઓને અપગ્રેડ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. WHOના નિવેદન અનુસાર, રસી મેળવનારા દેશોને યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય પગલાં શું હશે તે સ્પષ્ટ નથી.


ડબ્લ્યુએચઓએ કહ્યું કે રસી અસરકારક છે અને સલામતી અંગે કોઈ ચિંતા નથી, પરંતુ નિકાસ માટે ઉત્પાદન સ્થગિત કરવાથી કોવેક્સીનનો પુરવઠો ખોરવાશે. સસ્પેન્શન માર્ચ 14 થી 22 દરમિયાન WHO પોસ્ટ ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) નિરીક્ષણના પરિણામોના પ્રતિભાવમાં છે. રસી નિર્માતાએ નિકાસ માટે કોવેક્સિનનું ઉત્પાદન સ્થગિત કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.


થોડા સમય માટે કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય


અગાઉ, દવા નિર્માતા ભારત બાયોટેકે કહ્યું હતું કે તે તેના તમામ ઉત્પાદન એકમોમાં કોવિડ-19 માટેની રસી, કોવેક્સિનનું ઉત્પાદન અસ્થાયી ધોરણે ઘટાડી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે પ્રોક્યોરમેન્ટ એજન્સીઓને તેની પુરવઠાની જવાબદારીઓ પૂરી કરી દીધી છે અને માંગ ઓછી રહેવાની અપેક્ષા છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયગાળા માટે કંપની જાળવણી, પ્રક્રિયા અને સુવિધા ઑપ્ટિમાઇઝેશન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન, રસીના સતત ઉત્પાદન માટેના તમામ હાલના એકમોને કોવેક્સીન બનાવવા માટે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આથી આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓને અપગ્રેડ કરવાની કામગીરી કરવી જરૂરી છે.


ભારતમાં કોરોનાની સ્થિતિ


દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત 14માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે.  . દેશમાં છેલ્લા 24 કલાકમાં 1096 નવા કેસ નોંધાયા છે અને 81 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1447 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 13,013થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,345 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,93,773 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 184 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 12,75,495 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.