Coronavirus India Update: ચીન અને અન્ય દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. દેશમાં કોરોનાની ગતિ હજુ પણ ધીમી છે. પરંતુ આગામી સમયમાં પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી દિશાનિર્દેશો સાથે વધુ એક પત્ર લખ્યો છે. અગાઉ દેશભરની તમામ આરોગ્ય સંસ્થાઓ (માન્યતા પ્રાપ્ત COVID-સમર્પિત આરોગ્ય સુવિધાઓ સહિત) ને 27 ડિસેમ્બરે મોક ડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


આરોગ્ય સચિવના પત્રની મહત્વની બાબતો-


- રાજ્યોને હોસ્પિટલ અને બેડ તૈયાર કરવા સૂચના આપી.


ICU, આઇસોલેશન, ઓક્સિજન સપોર્ટેડ બેડ, વેન્ટિલેટર સાથે પૂરતી સંખ્યામાં પથારીની ખાતરી કરવા જણાવ્યું.


હોસ્પિટલોમાં પૂરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવા વિનંતી.


પરીક્ષણ ક્ષમતા વધારવા જણાવ્યું હતું.


- રેફરલની સુવિધાઓને વધુ મજબૂત કરવા સૂચના.


મેડિકલ ઓક્સિજન, માસ્ક, દવાઓ, PPE કિટ સહિત તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક અગાઉથી રાખવા સૂચના.


અગાઉ લખેલા પત્રમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ કટોકટીને પહોંચી વળવા જરૂરી જાહેર આરોગ્ય પગલાં માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ-19 આરોગ્ય સુવિધાઓની સજ્જતા મહત્વપૂર્ણ છે. રાજ્યો/જિલ્લાઓ કેસોમાં કોઈપણ વધારાને કારણે ક્લિનિકલ સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર સ્થિતિમાં છે કે કેમ તેની ખાતરી કરી લો.


આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, લોજિસ્ટિક્સ અને માનવ સંસાધન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને માળખાકીય સુવિધાઓની તૈયારીનું મૂલ્યાંકન કરવા 27 ડિસેમ્બરે તમામ આરોગ્ય સુવિધાઓમાં કવાયત હાથ ધરવા જણાવ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને અને સહયોગી ભાવનાથી કામ કરવાની જરૂર છે, જેમ કે કોવિડના નિવારણ અને વ્યવસ્થાપન માટે અગાઉના ઉછાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકનો ઉલ્લેખ કરતા માંડવિયાએ રાજ્યોને હાઈ એલર્ટ પર રહેવા, કોવિડ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ તૈયારી જાળવવા અને સક્રિય વ્યૂહરચના જાળવવા જણાવ્યું હતું.