નવી દિલ્હીઃ કોરોનાનો પ્રકોપ ઓછો થતા ધીમે ધીમે દરેક રાજ્યો સ્કૂલ અને કોલેજ ખોલી રહ્યા છે. કેરળમાં પણ રાજ્ય સરકારે સ્કૂલ અને કોલેજ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે સ્કૂલ ખોલ્યા પછી કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. કેરળમાં બે સરકારી સ્કૂલમાં 190 વિદ્યાર્થી અને 70 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.


કોરોનાના કેસ આવતા રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવા આદેશ કર્યા છે જેમાં ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગની સૂચન આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાથી મોત થનારા લોકોની સંખ્યા હવે ઘટી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 84 લોકોના જ મોત થયા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં સરેરાશ મોતની સંખ્યા 150થી નીચે રહી છે.

આ સાથે જ કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર 148609 પર આવી ગઈ છે. આમ એક્ટવિ કેસની સંખ્યા હવે માત્ર 1.37 ટકા જ રહી છે.

ગઈકાલે દેશમાં કુલ 11831 નવા કોરોનાના કેસ આવ્યા હતા જેની સામે 11904 લોકો કોરોનાએ મ્હાત આપી હતી. પાંચ રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કુલ કેસના 81 ટકા કેસ છે. જ્યારે માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ એક્ટિવ કેસોની સરખામણીએ ૭૦ ટકા છે. ૩૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા પાંચ હજારથી પણ નીચે છે.