નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. કેરળમાં 8 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 61 થઈ ગઈ છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પુષ્ટિ કરવામાં આવેલ કુલ કેસની સંખ્યા 50 છે જ્યારે બાકીના કેસની પુષ્ટિ માટે ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલ નવા કેસ ગણવા પર આ સંખ્યા વધીને 61 થઈ જશે. જ્યારે સરકાર પણ આ મામલે એલર્ટ મોડ પર છે.


ત્રણ દેશોના નાગરિક નહીં આવી શકે ભારત, સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી એડવાઈઝરી

ભારત સરકાર તરફથી ત્રણ દેશ ફ્રાન્સ, જર્મની અને સ્પેનના નાગરિકને ઈ વીઝા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત સરકારે એ લોકોના પણ ઈ વીઝા રદ્દ કર્યા છે જેમણે 1 ફેબ્રુઆરી અથવા ત્યાર બાદ ફ્રાન્સ, જર્મની અને સ્પેનનો પ્રવાસ કર્યો છે. ઇમિગ્રેશન બ્યૂરો તરફથી મંગળવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલ એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

ઉપરાંત ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે લોકોને કહ્યું કે, તે ચીન, ઇટલી, ઇરાન રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ફ્રાંસ, સ્પેન અને જર્મનીના પ્રવાસ કરવાથી બચે. મંત્રાલયે લકોને એ પણ કહ્યું કે, કોરોના વાયરસના પ્રસારને ધ્યાનમાં રાખતા આ દેશોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા.

ઇરાનથી 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા

સવારે ભારતીય વાયુસેના (આઈએએફ)નોનું એક સૈન્ય પરિવહન વિમાન કોરોના વાયરસ પ્રભાવિત દેશોમાં સામેલ ઇરનથી 58 ભારતીય નાગરિકોને લઈને પરત ફર્યું છે. વિમાન સી-17 ગ્લોમબાસ્ટરને ગાઝિયાબાદના નજીક હિંડન એરબેસથી સોમવારે સાંજે તેહરાન મોકલવામાં આવ્યું હતું. જ્યારે કેરળમાં કોરોના વાયરસના આઠ નવા કેસની મંગળવારે પુષ્ટિ થવાની સાથે રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે કોરોના વાયરસનો પ્રસાર રોકવાના પ્રયત્ન અંતર્ગત શૈક્ષણિક સંસ્થા અને સિનેમાધરોને બંધ કરવા સહિત અનેક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.