નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા 8 લાખની નજીક પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 21,604 લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાથી થતા કુલ મોતમાંથી 85 ટકા લોકો 45 વર્ષથી વધુ વયના છે. જ્યારે 53 ટકા લોકોના મોત 60 વર્ષથી વધુ વયના છે. દેશમાં કુલ વસ્તીમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 10 ટકા જ છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, “ મહત્વની વાત એ છે કે, દેશમાં ઓછામાં ઓછી 25 ટકા વસ્તી 45 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની છે અને કોરોનાથી સંબંધિત 85 ટકા મોત આ વય જૂથમાં થઈ છે. આ હાઈ રિસ્ક એજ ગ્રુપ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. ”

60 થી 74 વર્ષની વયના લોકો દેશની વસ્તીના 8 ટકા હિસ્સો છે, જ્યારે કોરોનાના કારણે થયેલા મોતમાં 39 ટકા મોત આ વય જૂથમાંથી છે. 75 વર્ષથી વધુ વયના લોકોનાં મોતના આંકડા 14 ટકા છે. જ્યારે દેશમાં કુલ વસ્તીમાં તેનો હિસ્સો 2 ટકા છે.

રાજેશ ભૂષણ અનુસાર, 14 વર્ષથી ઓછી વય જૂથનો હિસ્સો વસ્તીમાં લગભગ 35 ટકા છે. કોરોના સંબંધિત 1 ટકા મોત આ વય જૂથમાંથી થઈ છે. વસ્તીના 18 ટકા 15-29 વર્ષના વય જૂથમાં 3 ટકા કોરોના સંબંધિત મોત જ્યારે 22 ટકા જનસંખ્યા વાળા 30-44 વય જૂથમાં કોરોના સંબંધિત 11 ટકા મોત થઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 7,93,802 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 21,604 લોકોના મોત થયા છે. જ્યારે 4,95,000 લોકો સારવાર લઈને સાજા થઈ ગયા છે. કોરોનાથી રિકવર થનારા કેસોની સંખ્યા એક્ટિવ કેસ (2,06,588) થી વધુ છે. રિકવર થનારા કેસની સંખ્યા એક્ટિવ કેસથી 1.75 ટકા વધુ છે.