નવી દિલ્હીઃ ચીન, ઈરાન અને ઇટલીમાં મહામારી બનેલ કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી દીધી છે. ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વિદેશતી આવનારા તમામ લોકોના વીઝા 15 એપ્રીલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધથી એમ્બેસેડર, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગુ થઈ જશે.


સરકારે એ પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે,  બિનજરૂરી વિદેશી પ્રવાસ ન કરે. જો તેઓ કોઈપણ વિદેશ પ્રવાસ કરીને  ભારત પરત ફરશે તો તેમને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખવામાં આવશે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ‘અમારા આંકલન અનુસાર કોરોના વાયરસ હવે મહામારી બની ગયો છે. સ્વાસ્થ્ય સંગઠન સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલ આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે.’ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જે પણ વિદેશી નાગરિક ભારત આવવા માગે છે તેણે પહેલા ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવાનો રહેશે.


કોરોના વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં 60 દર્દી સામે આવ્યા છે. જેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ મોડ પર છે. કોરોના વાયરસ પર નિર્માણ ભવનમાં એક બેઠક બોલાવી હતી. બુધવારના રોજ થયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, હરદીપ સિંહ પુરી, નિત્યાનંદ રાય, અશ્વિની ચૌબે સહિત કેટલાંય કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા. આ બેઠકની અધ્યક્ષતા સ્વાસ્થ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને કરી. બેઠક બાદ જ આ નિર્ણય થયો છે.