મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે આ વર્ષે ગણેશઉત્સવ દરમિયાન મુંબઈના પ્રખ્યાત ગણેશ પંડાલ લાલબાગના રાજા ગણેશ મૂર્તિની સ્થાપના નહીં કરવામાં આવે. 87 વર્ષ બાદ પહેલીવાર આ પરંપરા તૂટશે. કોરોના સંકટને જોતા આયોજકોએ ગણેશ ઉત્સવ નહીં ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.


મહારાષ્ટ્રના સૌથી મોટા પર્વ ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યમાં નાનીમોટી ગળેશ મૃર્તિઓની સ્થાપના કરવામાં આવે. મુંબઈના લાલબાગ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવતા લાલબાગના રાજા સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.

લાલબાગ રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ અધ્યક્ષ સુધીર સાલવીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, સમાજ, દેશ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાન રાખતા ગણેશ ઉત્સવની જગ્યાએ આરોગ્ય ઉત્સવનું આયોજન થશે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને પ્લાઝમાં ડોનેશન કેમ્પ 11 દિવસ માટે આયોજન કરાશે. બીએમસી સાથે મળીને પ્લાઝમાં ડોનેટ કાર્યક્રમ થશે. મંડળ દ્વારા કોરોનાની લડાઈમાં શહીદ પોલીસકર્મીના પરિવાર, ગલવાન ઘાટી અને પુલવામાના શહીદોના પરિવારોનું પણ સન્માન કરવામાં આવશે. લાલબાગ રાજા ગણેશોત્સવ મંડલ દ્વારા સીએમ ઉદ્ધવ ઠાકરેને તત્કાલ 25 લાખ રૂપિયા દાન કરવામાં આવશે.