નવી દિલ્હીઃ નિઝામુદ્દીમ મરકઝમાં તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદના શામલી સ્થિત કંધાલવી ફાર્મ હાઉસ પર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે છાપો માર્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમ કોરોના વાયરસના ખતરાને જોતા પર્સનલ પ્રોટેક્શન કિટ પહેરીને કાર્યવાહી કરી રહી છે.


મૌલાના સાદ પર માર્ચ મહિનામાં કલમ-144 લાગુ હોવા છતાં દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમમાં હજારો લોકોને ભેગા કરવાનો આરોપ છે. સાદ અને મરકઝ સાથે સંકળાયેલા અન્ય લોકો સામે દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે.  તેની સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો એફઆઈઆર નોંધવામાં આવી છે. મૌલવી  છેલ્લે 28 માર્ચના રોજ જોવા મળ્યા હતા. બાદમાં એક ઓડિયો સંદેશમાં તેમણે ક્વોરેન્ટાઈનમાં હોવાનો દાવો કર્યો હતો.

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે. તબલીગી-એ-જમાત વર્ષો જૂની મુસ્લિમ સંસ્થા છે.  જેનું હેડ ક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીનમાં છે. અહીંયા દેશ-વિદેશમાં લોકો વર્ષભર આવતા રહે છે.

જીવલેણ કોરોના વાયરસ ફેલાવવામાં મરકઝની ભૂમિકાની હાલ તપાસ થઈ રહી છે. આશરે 150 દેશોમાં ફેલાયલી તબલીગી જમાતની સ્થાપના સાદના દાદા ઈલિયાસ કંધાલવીએ 1926-27માં કરી હતી.