નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ બેકાબૂ બની રહી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં મૂકાયો હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી માત્ર આઠ રાજ્યમાં જ 85 ટકા જેટલા કેસ છે.
આ 4 કારણોથી વકર્યો કોરોના
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોનાના કેસ વધવા પાછળ મુખ્ય ચાર કારણો છે. (1) દેશમાં લોકોને લાગે છે કે કોરોના વાઈરસ વિરુદ્ધ રસી આવી ગઈ છે. તેથી હવે બધું બરાબર થઈ ગયું છે. લોકો હજી પણ મહામારી મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. (2) કોરોના પર નિયંત્રણ મેળવવા રાજ્યો આરટી-પીસીઆર ટેસ્ટ પૂરતા પ્રમાણમાં કરતાં નથી. (3) કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ'ની નીતિનો વધુ ગંભીરતાથી અમલ કરતા નથી. (4) કોવિડની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરતા નથી.
દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ,તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 84.73 ટકા કેસ આ રાજ્યોના છે.
દેશના આ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક
દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાંથી આઠ મહારાષ્ટ્રના છે, જે દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત વિકટ છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ શહેર, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,21,49,335 થયા છે. જ્યારે 1,14,34,301 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,52,566 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,468 છે. દેશમાં કુલ 6,30,54,353 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.
Immunity Booster: કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, અજમાવો આ ઉપાય