Omicron Variant in India: ચીન, જાપાન, અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોના વાયરસના બેકાબૂ કેસ સામે આવ્યા બાદ ભારતમાં ચિંતા વધી છે. છેલ્લા દિવસે જ ખબર પડી છે કે Omicronના તમામ વેરિયન્ટે ભારતમાં દેખા દેતા તેમાં વધારો થયો છે. ચીન અને અમેરિકામાં તબાહી મચાવનાર વેરિઅન્ટ ભારતમાં પણ જોવા મળ્યા છે. આ સ્થિતિમાં દેશમાં કોરોનાની નવી વેવને લઈને ચિંતા ઉભી થઈ છે. સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે શું આવનારા સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો વધારો થશે? હવે સરકારના ટોચના નિષ્ણાતે મોટો દાવો કર્યો છે.


કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ આજે કહ્યું હતું કે, અહીં વાયરસના ઘણા કેસ સામે આવ્યા છે, પરંતુ દેશમાં તેની ઝડપ નથી વધી રહી. આપણે આપણું જીનોમિક સર્વેલન્સ વધાર્યું છે અને એરપોર્ટ સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીના ટેસ્ટિંગમાં જે કંઈ ધ્યાને આવ્યું છે તેમા અમને કોઈ જ નવો વેરિઅન્ટ નથી મળ્યો. ત્યાં સુધી કે ગટરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, પરંતુ આગામી અઠવાડિયામાં કોઈ નવા પ્રકાર કે કેસોમાં વધારો થશે તેની કોઈ જ શક્યતા દેખાતી નથી.


"ગભરાવાની જરૂર નથી"


ડૉ. એન.કે. અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટ જે આપણે ભારતમાં જોઈ રહ્યા છીએ તે વિશ્વના કોઈપણ ભાગમાં પણ જોઈ શકાય છે. કોવિડ વેરિઅન્ટ કોઈ પગ જમાવી શક્યું નથી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં સક્ષમ નથી. માટે ગભરાવાની જરૂર નથી, પરંતુ આપણે યુરોપિય, નોર્થ અમેરિકન અને ઇસ્ટ એશિયન દેશો પર ચાંપતી નજર રાખવાની જરૂર છે.


Omicronના તમામ સબ-વેરિએન્ટની દેશમાં હાજરી


કોરોનાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, 29 ડિસેમ્બર, 2022 અને 7 જાન્યુઆરી, 2023 વચ્ચે લેવામાં આવેલા 324 કોવિડ પોઝિટિવ નમૂનાઓની 'સેન્ટિનલ સિક્વન્સિંગ'થી જાણવા મળ્યું કે તે બધામાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી જોવા મળી હતી. આમાં BA.2, BA 2.75, XBB (37), BQ.1 અને BQ.1.1 (5) અને અન્ય પ્રકારોનો સમાવેશ થાય છે.


મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે વિસ્તારોમાં આ પ્રકારો શોધી કાઢવામાં આવ્યા છે, ત્યાં મૃત્યુદર અથવા ચેપના કેસોમાં વધારો વિશે કોઈ માહિતી નથી. આ ઉપરાંત, XBB (11), BQ.1.1 (12) અને BF7.4.1 (1) એ પચાસ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના સકારાત્મક નમૂનાઓમાં જોવા મળેલા મુખ્ય પ્રકારો હતા જેમના નમૂનાઓ અત્યાર સુધીમાં જીનોમ સિક્વન્સ કરવામાં આવ્યા છે.