નવી દિલ્હીઃ કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર હોય તેવો ભારત વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. કોવિડ-19ના દસ લાખ મામલા પાર કરનારો અમેરિકા વિશ્વનો પ્રથમ દેશ હતો. અમેરિકાએ આંકડો 28 એપ્રિલના રોજ પાર કર્યો હતો. અમેરિકાને એક હજારથી દસ લાખ મામલા સુધી પહોંચવામાં 49 દિવસ લાગ્યા હતા.

જે બાદ 19 જૂને બ્રાઝીલમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 10 લાખને પાર થઈ હતી. બ્રાઝીલને એક હજારથી દસ લાખ સુધી પહોંચવામાં 91 દિવસ લાગ્યા હતા. જોકે, ભારતે એક હજારથી દસ લાખ સુધી પહોંચવામાં વધારે સમય લાગ્યો. ભારતે દસ લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો.

ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં જ એક લાખ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે 32,695 કેસ અને 606 લોકોના મોત થયા હતા. શુક્રવારે અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધારે 34,956 કેસ નોંધાયા હતા અને 687 લોકોના મોત થયા હતા. જ્યારે આજે છેલ્લા 24 કલાકમાં 671 લોકોના મોત થયા છે અને 34,884 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.  આમ છેલ્લા ત્રણ દિવસમાં જ 1,02,05 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,38,716 પર પહોંચી છે અને 26,273 લોકોના મોત થયા છે. 6,53,751 લોકો સાજા થઈ ગયા છે અને 3,58,692 એક્ટિવ કેસ છે.