નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના 80થી વધારે કેસ સામે આવ્યા બાદ કર્ણાટકમાં પહેલા મૃત્યુ પછી લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. અલગ-અલગ રાજ્યોમાં યુદ્ધ સ્તર પર તેની સામે લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારોએ આકરા નિર્ણયો લેવાનું પણ શરુ કરી દીધું છે. જેમાં સ્કૂલ અને કોલેજ બંધ કરવાથી જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવવા સુધીના પગલા ઉઠાવ્યા છે. જેમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી તેવા રાજ્યોમાં સામેલ છે. જેમણે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આ નિર્ણય લીધો છો.


ભારતમાં કોરોના વાયરસનો પ્રસાર વધતાં જ વિવિધ રાજ્યોની સરકારોએ યુદ્ધસ્તરે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આકરાં પગલાં અંતર્ગત યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી જેવા રાજ્યોએ શાળા અને કોલેજો બંધ કરવા સહિત જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દેવાની જાહેરાત કરી છે.



શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી હતી. ઓડિશામાં નવીન પટનાયક સરકારે કોરોના વાઇરસને ડિઝાસ્ટર જાહેર કર્યો હતો. એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી ઈટાલી, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, કુવૈત, સ્પેનના મેડ્રિડ અને શ્રીલંકાના કોલંબો જતી તમામ ફ્લાઈટ રદ્દ કરી દીધી છે. શુક્રવારે ઈરાનથી 44 ભારતીયોને ભારત પરત લવાયાં હતાં.



દિલ્હી

- આઈપીએલ મેચોનું આયોજન રદ્દ, તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટ પર રોક
- સરકારી કાર્યક્રમ નહીં યોજાય, સંમેલન અને સેમિનાર પર પ્રતિબંધ
- દિલ્હી યુનિવર્સિટી, જેએનયુ અને આઈઆઇટીમાં શિક્ષણ કાર્ય સ્થગિત

કર્ણાટક

- મોલ, થિયેટર, નાઈટ ક્લબ, પબ અને સ્વિમિંગ પૂલ બંધ, લગ્ન સમારંભ અને સમર કેમ્પના આયોજન પર રોક
- સરકારી ડોક્ટરો, આરોગ્ય અધિકારીઓની રજા રદ



બિહાર

- 31 માર્ચ સુધી શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ, તમામ આંગણવાડી અને સિનેમાગૃહ બંધ
- બિહાર દિવસની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી

ઉત્તરપ્રદેશ

- રાજ્યમાં કોરોના વાયરસ મહામારી જાહેર
- 22 માર્ચ સુધી તમામ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ
- મેડિકલ કોલેજોમાં એમબીબીએસના ક્લાસ સ્થગિત



મધ્યપ્રદેશ

- તમામ શિક્ષણ સંસ્થાનો વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ રહેશે
- મંદિરોમાં હાઈએલર્ટ, વિદેશી ભક્તો પર નજર

મહારાષ્ટ્ર

- કોરોના વાયરસ મહામારી જાહેર, વિધાનસભા સત્ર સ્થગિત
- તમામ જિમ, થિયેટર, શિક્ષણ સંસ્થાઓમાં રજા જાહેર
- મુંબઈ, નાગપુર, પુણે અને થાણેમાં ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલ બંધ



હરિયાણા

- દિલ્હી નજીકના પાંચ જિલ્લામાં 31 માર્ચ સુધી તમામ શિક્ષણ સંસ્થા બંધ કરવાની જાહેરાત

ઓડિશા

- કોરોના વાયરસને ડિઝાસ્ટર જાહેર કરાયો, રૂપિયા 200 કરોડનું વિશેષ ભંડોળ જારી
- 31 માર્ચ સુધી તમામ શિક્ષણ સંસ્થા અને થિયેટર બંધ કરવાનો આદેશ

જમ્મુ-કાશ્મીર

- સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં શાળા-કોલેજ બંધ
- તમામ પ્રકારની સ્પોર્ટ્સ અને કોચિંગ એક્ટિવિટી પર પ્રતિબંધ

કેરળ

- વિધાનસભા અનિશ્ચિત મુદત માટે સ્થગિત
- 31 માર્ચ સુધી થિયેટર બંધ
- અદાલતોમાં જરૂરી કેસોમાં જ સુનાવણી



છત્તીસગઢ

- 31 માર્ચ સુધી તમામ શાળા-કોલેજ અને આંગણવાડી બંધ
- જાહેર પુસ્તકાલયો, જિમ, સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક બંધ

પંજાબ

- 31 માર્ચ સુધી તમામ સરકારી કોલેજ અને યુનિવર્સિટી બંધ

ઉત્તરાખંડ

- તમામ શાળા બંધ કરવાના આદેશ
- રાજ્યની તમામ હોટલો માટે એડવાઇઝરી જારી
- વિદેશીઓને ઉતારો આપતાં પહેલાં સાવચેતી રાખવા સૂચના

મણિપુર

- 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજ બંધ
- મ્યાનમાર સરહદ પર થતાં વેપાર પર પ્રતિંબંધ