નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો (Coronavirus Second Wave) કહેર ચાલુ જ છે. નવા કેસની સંખ્યા ભલે ઘટી રહી હોય  પરંતું રોજના 2500થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ દેશના તમામ રાજ્યો સતર્ક થઈ ગયા છે. દિલ્હી, ગુજરાત (Gujarat) અને કેરળ સહિત અનેક રાજ્યોએ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા કમર કસી છે.


ગુજરાતઃ કોરોનાના સંભવિત ત્રીજી વેવને આવતી અટકાવવી-તીવ્રતા ઇન્ટેસીટી ઘટાડવી અને સંભવિત આ ત્રીજી વેવમાં કેસો વધે તો સારવાર પ્રબંધનમાં પહોચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વધારવાનો બેવડો વ્યૂહ અપનાવવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે.  આ વ્યૂહના ભાગરૂપે જીએમડીસી ગ્રાઉન્ડ અને મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી હોસ્પિટલોની જેમ જરૂર જણાયે ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલોની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.  આગામી ત્રણ મહિનામાં રાજ્યની 51 સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ આર.ટી.પીસીઆર ટેસ્ટીંગની સુવિધા ઊભી કરી દેવામાં આવશે. આ માટે ટાસ્ક ફોર્સ તજજ્ઞાો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને સાથે રાખીને વિડીયો કોન્ફરન્સ કરીને સરકારી હોસ્પિટલોના તબીબો સાથે ગહન પરામર્શ કર્યો હતો. રોજ 1.25 લાખ લોકોના ટેસ્ટિંગ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. ગુજરાતમાં ફોરકાસ્ટિંગ મેથડ વિકસાવવી, સર્વેલન્સ અને ટેસ્ટિંગમાં વધારો કરવો, ઓક્સિજન પુરવઠો સુદ્રઢ કરવો, જરૂરી દવા-ઇન્જેક્શનનો જથ્થો સુનિશ્ચિત કરવો, બાળકો અને વયસ્કો માટે નવા વેન્ટિલેટર્સ ખરીદવા, તબીબ-નર્સ અને પેરામેડીકલ સ્ટાફની ભરતી, રેડી ટુ ગો હોસ્પિટલ્સ તૈયાર કરવી, જિલ્લા સ્તરે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભા કરવા, બેડ-પથારીઓની સંખ્યા દર્શાવતી કેંદ્રીકૃત પ્રણાલી વિકસાવવી, સંજીવની અને ધન્વંતરી રથનો વ્યાપક ઉપયોગ અને હોમ આઇસોલેશનમં રહેલા દર્દી માટે ટેલી મેડિસિન વ્યવસ્થા જેવી બાબતો સમાવવામાં આવી છે. આઇ.સી.યુ. બેડની સંખ્યા 15 હજારથી વધારીને 30 હજાર કરવામાં આવશે, વેન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારે 15 હજાર કરવામાં આવશે. ઓક્સિજનની માંગને પહોંચી વળવા ઓક્સિજન ક્ષમતા 1150 મેટ્રીક ટનથી 1800 મેટ્રિક ટન, પી.એસ.એ. પ્લાન્ટ 24 થી 400 તથા પી.એસ.એ. પ્લાન્ટની ક્ષમતા 20 મેટ્રિક ટનથી 300 મેટ્રિક ટન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા 700થી વધારે 10,000 કરવામાં આવશે. ઓક્સિજન બેડની સંખ્યા 61 હજારથી વધારીને 1.10 લાખ કરાશે.  રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓના બીજા વેવમાં થયેલા વપરાશને આધારે ત્રીજા સંભવિત વેવ માટે પૂરતો જથ્થો પ્રોક્યોર કરવામાં આવશે. પૂર્વ તૈયારી રૂપે સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2350 વધારી 4000 એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા 5200થી વધારી 10,000 નર્સની સંખ્યા 12 હજારથી વધારી 22,000 વર્ગ-4ના કર્મચારીઓની સંખ્યા 8 હજારથી વધારે 15 હજાર અને અટેન્ડન્ટની સંખ્યા 4000થી વધારે 10 હજાર કરવાનો નિર્ણય કર્યો છે.


દિલ્હીઃ  રાજધાની દિલ્હીમાં કુલ 27 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પહેલા જ છ પ્લાન્ટ શરૂ કરાયા છે અને સાત જલદી શરૂ કરાશે. જુલાઈ સુધી દિલ્હીમાં 17 વધુ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે. ત્રીજી લહેરનો સામનો કરવા દિલ્હીમાં 13 અધિકારીની કમિટી બનાવાઈ છે. જે દિલ્હીમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને ત્રીજી લહેરનો સામનો કરવા એક્શન પ્લાન તૈયાર કરશે.


કેરળઃ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું,  ત્રીજી લહેર પહેલા મહત્તમ લોકોને રસી લાગી જાય તે માટે દૈનિક ડોઝની સંખ્યા વધારવામાં આવશે. બાળકોની સારવાર સંદર્ભે દિશાનિર્દેશો પહેલા જ તૈયાર કરવામાં આવ્યા છે.


તેલંગાણાઃ  રાજ્ય સરકાર હૈદરાબાદમાં મહિલાઓ અને બાળકો માટે હોસ્પિટલોમાં વધારાની સુવિધા ઉભી કરી રહી છે. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં તમામ વર્તમાન બેડને ઓક્સિજન બેડમાં ફેરવવાનો ફેંસલો લીધો છે.


જમ્મુ-કાશ્મીરઃ રાજ્યના મુખ્ય સચિવે સ્વાસ્થ્ય વિભાગને અલગ અલગ વસતીના સ્તર પર સીરો સર્વે કરવા કહ્યું છે. રાજ્યમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


દેશમાં આગામી 3 મહિનામાં 50 મોડ્યુલર હોસ્પિટલો બનાવાશે


કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે, કેન્દ્ર સરકારે આગામી ત્રણ મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલો બનાવવાની યોજના બનાવી છે. આ હોસ્પિટલોમાં આઇસીયુ બેડની સાથે ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મોડ્યુલર હોસ્પિટલો વિશેની વિશેષ બાબત એ હશે કે તેને ફક્ત ત્રણ અઠવાડિયામાં જ તૈયાર કરી શકાશે. એક હોસ્પિટલના નિર્માણમાં લગભગ 3 કરોડનો ખર્ચ થશે. ઇમર્જન્સી સમયે, આ હોસ્પિટલોને એક અઠવાડિયાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાશે. તેમની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોય છે. મોડ્યુલર હોસ્પિટલમાં 100 બેડ હશે. આ ઉપરાંત આઈસીયુ માટે એક અલગ ક્ષેત્ર હશે. આ હોસ્પિટલો આવી હોસ્પિટલોની નજીક બનાવવામાં આવશે જ્યાં વીજળી, પાણી અને ઓક્સિજનની જોગવાઈ રહેશે.