નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની ગતિ ધીમી પડી છે. આ દરમિયાન કેટલાક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ છે. ભારતમાં પણ ટૂંક સમયમાં કોરોના રસી આપવામાં આવી શકે છે અને આ માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાયરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે.

આ સપ્તાહે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઉગુર સાહિનને આ વાઈરસની ડેડલાઈન સંબંધે સવાલ પૂછાયો હતો. કોરોના વાયરસથી છૂટકારો મેળવી દુનિયામાં ફરીથી ક્યારે જીવન સામાન્ય થશે તેવો સવાલ સાહિનને કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણે 'નોર્મલ' એટલે કે 'સામાન્ય જીવન'ની નવી વ્યાખ્યા કરવાની જરૂર છે. આગામી ૧૦ વર્ષ સુધી વાયરસ આપણી સાથે જ રહેશે. બાયોએનટેકની રસી અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર સાથે વિકસાવવામાં આવી છે અને બ્રિટન અને અમેરિકા સહિત ૪૫થી વધુ દેશોમાં તેના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.

સાહિને જણાવ્યું કે, અંદાજે ૬ સપ્તાહના સમયમાં બ્રિટનમાં આવેલા કોરોના વાઈરસના નવા પ્રકાર માટે પણ તેમની રસી એડજસ્ટ થવાની સંભાવના છે. તેમણે ટેક્નોલોજીને ટાંકીને જણાવ્યું કે, મેસેન્જર ટેક્નોલોજીની સુંદરતા એ છે કે આપણે પ્રત્યક્ષ રીતે રસીનું એન્જિનિયરિંગ શરૂ કરી શકીએ છીએ, જે સંપૂર્ણપણે આ નવા મ્યુટેશનની કોપી બનાવી શકે છે. આપણે માત્ર છ સપ્તાહમાં નવી રસી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.

તેમણે જણાવ્યું કે, આપણે સામાન્ય જીવનની વ્યાખ્યા બદલવાની જરૂર છે. નવા પ્રકાર સામે પણ રસી અસરકારક રહેશે.

રાશિફળ 27 ડિસેમ્બરઃ મેષ, કન્યા, તુલા રાશિવાળા આજના દિવસે આ વાતોનું રાખો ધ્યાન, જાણો આજનું રાશિફળ