Coronavirus Testing Advisory: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાત્કાલિક કોરોના વાયરસના પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા જણાવ્યું છે. તેની એડવાઈઝરીમાં, મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના ક્ષેત્રો અનુસાર સકારાત્મકતાના ટ્રેંડને જોતા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવો જોઈએ.
એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વેરિઅન્ટ ઓફ કંસર્ન તરીકે ઓળખવામાં આવ્યું છે અને તે હાલમાં સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળા સામે લડવા માટે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, ACMR પોર્ટલ પરનો ડેટા દર્શાવે છે કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરીક્ષણોની સંખ્યામાં ઘટાડો થયો છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો છે તેમની તપાસ કરાવવી જોઈએ. આ સિવાય જોખમમાં રહેલા લોકો જે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે, તેમની પણ તપાસ કરાવવી જોઈએ.
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 17 જાન્યુઆરીએ 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કુલ એક્ટિવ કેસઃ 17,36,628
કુલ ડિસ્ચાર્જઃ 3,53,94,882
કુલ મૃત્યુઆંકઃ 4,86,761
કુલ રસીકરણઃ 158,04,41,770
ગુજરાતમાં શું છે સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12753 કેસ નોંધાયા છે. બીજી તરફ 5984 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.