લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વભરમાં 10 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે અને દરરોજ આંકડો વધી રહ્યો છે.  કોરોનાની સારવાર માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ ન હોવાથી આ સ્થિતિ ઉદભવી છે, ત્યારે 100 વર્ષ પહેલા યુરોપમાં ટીબીની સારવાર માટે શોધાયેલી રસીથી કોરોના વાયરસની સારવાર શક્ય બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો વિશ્વ માટે આશીર્વાદ રૂપ હશે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બેસિલસ કેલમેટ-ગુએલિન(BCG) રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રસી ટીબીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ રસી કોરોના વાયરસને અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે કે નહીં તે સાબિત કરવામાં લાગ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે બીસીજી રસીનું પરીક્ષણ હાલ કોરોના વાયરસની બીમારી સામે કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો આ રસીના પ્રભાવની અસર કરી તેનું પરિણામ નીકાળવાની કોશિશ કરી રહ્યા છે.

હાલ અનેક દેશો કોરોના વાયરસની મહામારીની દવા કે વેક્સીનની શોધ કરી રહ્યા છે. વિવિધ દેશોના અનેક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સંશોધનમાં દિવસ રાત કામ કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી રહેલી શોધ સાથે સંકળાવા કહ્યું છે. મર્ડોક ચિલ્ડ્રન હોસ્પિટલમાં સંક્રમિત બીમારીઓના પ્રમુખ નિગેલ કર્ટિસના નેતૃત્વમાં શોધને અંજામ આપવામાં આવી રહ્યો છે.

ભારતમાં સેરમ ઈન્સ્ટીટ્યૂટ પણ અન્ય ટીબી વેકસીનનું પરીક્ષણ કરવાની છે. વીપીએમ1002 નામની વેક્સીનનું પરીક્ષણ કરીને તેનો ઉપયોગ કોવિડ-19ની સારવારમાં કરી શકાય કે નહીં તે ચકાસશે. આ ઉપરાંત તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારીને કોવિડ-19ને રોકી શકાય કે નહીં તે પણ તપાસવામાં આવશે. ચીને ગત સપ્તાહે કોવિડ-19 વેક્સીનના પ્રથમ તબક્કાનું પરીક્ષણ શરૂ કરી દીધું છે.