નવી દિલ્હીઃ કોરોના વાયરસનું જોખમ હજુ પણ ઘટ્યું નથી. ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે દેશમાં ટૂંકમાં જ કોરોના રસીનું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં કોરોના વાયરસની રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. બન્ને રસીને ભારતમાં તૈયાર કરવામાં આવી છે, જ્યારે આ બે રસી વિશ્વમાં બનેલ અન્ય કોરોના રસીની તુલનામાં ઘણી સસ્તી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી કોવિશીલ્ડના 1.1 કરોડ ડોઝ ઉપરાંત ભારત બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાયોટેક પાસેથી રસીના 55 લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે. કોવેક્સિનના 38.5 લાખ ડોઝમાંથી દરેક ડોઝ પર 295 (ટેક્સ સાથે)નો ખર્ચ આવશે. જ્યારે ભારત બાયોટેક 16.5 લાખ ડોઝ ફ્રીમાં આપી રહી છે, જેના કારણે તેનો ખર્ચ દરેક ડોઝ પર 206 રૂપિયા આપશે. જ્યારે ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝ ખરીદી કરી છે. આ રસીની 200 રૂપિયાની કિંમતમાં ટેક્સ સામેલ નથી આમ ટેક્સ સાથે કિંમત 210 રૂપિયા થશે.

આ છે અન્ય કોરોના રસીની કિંમત

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અનેક દેશોમાં કોરોના રસીનું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. બીજી બાજુ વિશ્વમાં રહેલ કોરોના રસીની કિંમતની તુલના કરવામાં આવે તો ભારતમાં કોરોનાની રસી ઘણી સસ્તી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, વિશ્વમાં ઉપલબ્ધ રસીની કિંમત વિશે કહ્યું કે, ફાઈઝર-બાયોએનટેકની રસીનો ખર્ચ 1431 રૂપિયા આવે છે. જ્યારે મોડર્નાની રસીની કિંમત 2348 રૂપિયાથી લઈને 2715 રૂપિયા સુધી છે, નોવાવેક્સ રસીની કિંમત 1114 રૂપિયા, સ્પૂતનિક-વી રસીની કિંમત 734 રૂપિયા અને જોનસન એન્ડ જોનસનના દ્વારા નિર્મિત રસીની કિંમત 734 રીપિયા છે. ઉપરાંત ચીનની સાઇનોફોર્મ રસીની કિંમત 77 યૂએસ ડોલર પ્રતિ ડોઝ એટલે કે 5650 રૂપિયાથી વધારે કિંમત પર ડોઝ ઉપલબ્ધ છે.

ઉપરાંત કોરોના રસીનો રખરખાવ ઘણો મહત્ત્વનો છે. ખાસ કરીને ફાઇઝરની કોરોના રસી ઘણાં નીચા તાપમાન પર રાખવી પડે છે. રાજેશ ભૂષણે કહ્યું કે, ફાઈઝરની રસી છોડીને તમામ રસીને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર રાખી શકાય છે. ફાઇઝરની રસીને શૂન્યથી 70 ડિગ્રી સેલ્સિયસ નીચેના તાપમાન પર રાખવી પડે છે.