નરેન્દ્ર મોદીએ લોકડાઉન 30 એપ્રિલ સુધી રાખવાના બદલે 3 મે સુધી કેમ લંબાવ્યું ? જાણો વધુ ત્રણ દિવસના લોકડાઉન પાછળનું રહસ્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2020 02:10 PM (IST)
વડાપ્રધાન મોદી દ્ધારા લોકડાઉનને 30 એપ્રિલના બદલે 3 મે સુધી વધારવાનો નિર્ણય કેમ લીધો તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટના લીધે દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ 3 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જોકે, આ અગાઉ દેશના અનેક રાજ્યોએ લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લીધો હતો એવામાં વડાપ્રધાન મોદી દ્ધારા લોકડાઉનને 30 એપ્રિલના બદલે 3 મે સુધી વધારવાનો નિર્ણય કેમ લીધો તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદીના આ નિર્ણય પાછળનુ કારણ મે મહિનાની શરૂઆતમાં આવતી રજાઓ છે. એક મેના રોજ જાહેર રજા છે, બાદમાં બે મેના રોજ શનિવાર અને ત્રણ મે ના રોજ રવિવાર આવે છે. અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને 3 મે સુધી વધારી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું હોત તો મેના શરૂઆતના ત્રણ દિવસમાં આવતી રજાઓમાં વ્યાપક પ્રમાણમાં લોકો બહાર નીકળતા જેથી સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવવામાં મુશ્કેલીઓ આવી હોત. મહત્વનું છે કે ઓરિસ્સા, મહારાષ્ટ્ર, તેલંગાણા,રાજસ્થાન, પશ્ચિમ બંગાળે અને તમિલનાડુએ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું હતું. આ સિવાય પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલય પણ લોકડાઉનની મર્યાદાને 30 એપ્રિલ સુધી વધારી ચૂકયા છે.