ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પોતાના પરિવારમાંજ ઝટકો લાગ્યો છે. શિવરાજ સિંહના સાળા સંજય સિંહે મધ્યપ્રદેશ એમપી કૉંગ્રેસ અધ્યક્ષ કમલનાથની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. કૉંગ્રેસમાં સામેલ થતાંજ સંજય સિંહે કહ્યું કે હવે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની નહીં નાથની જરૂર છે.




સંજય સિંહે કહ્યું કે શિવરાજનું રાજ ઘણું થયું હવે. તેઓએ 13 વર્ષ સુધી સત્તા સંભાળી છે હવે કમલનાથને સમય મળવો જોઈએ. સંજય સિંહે રોજગારીને લઈને સીએમ શિવરાજ સિંહની આકરી આલોચના પણ કરી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં ઇન્વેસ્ટર્સ સમિટ ઘણી થઈ પરંતુ તેનો કઈ ફાયદો થયો નથી. યુવનો હજુ પણ બેરોજગાર છે.

કમલનાથે કહ્યું કે જે વિશ્વાસ અને નિષ્ઠા સાથે સંજય સિંહે ભાજપની સેવા કરી તે જ ભાવના સાથે કૉંગ્રેસમાં પણ કામ કરશે. કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશના વિકાસની લકીર ખેંચવા માટે સંજય સિંહ કૉંગ્રેસમાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નવેમ્બર 28ના રોજ યોજાવાની છે અને મતગણતરી 11 ડિસેમ્બરે છે.