નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડા ‘બુલબુલ’ આગામી 6 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર જોવા મળે તેવી સંભાવના છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ખાસ ધ્યાન આપી રહ્યા છે.


આ વાવાઝોડાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમના મુખ્ય સચિવ ડો.પીકે મિશ્રાએ ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વીપ સમુહના મુખ્ય સચિવો સાથે બેઠક કરી હતી જેમાં પ્રાકૃતિક આપદાનો સામનો કરવા માટે શું-શું તૈયારીઓ કરવામાં આવી તેની સમિક્ષા પણ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે આ બેઠકમાં ‘બુલબુલ’ વાવાઝોડાના થોડાં જ કલાકો પહેલાં તેની અસરની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર જનરલે ‘બુલબુલ’ ચક્રવાતની સમગ્ર જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘બુલબુલ’ની જે વિસ્તારમાં અસર થશે ત્યાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે વાવાઝોડાના કેન્દ્રમાં તેની ઝડપ 90 કિલોમીટર પ્રતિક કલાક અથવા તેનાથી પણ વધારે હોઈ શકે છે.

હવામાન વિભાગના અધિકારી જી.કે.દાસે કહ્યું હતું કે, ‘બુલબુલ’ ચક્રવાત કોલકાતાથી 930 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ છે અને ગુરૂવારે રાતે તે વધારે ભયાનક બને તેવી સંભાવના છે. જોકે શનિવારે તે વધારે શક્તિશાળી બનીને ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળ તરફ પહોંચશે. જેનાથી સમુદ્રમાં સ્થિતિ વધારે પ્રતિકુળ બનશે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને ગુરૂવારે સાંજ સુધીમાં સમુદ્ર કિનારે પરત ફરી જવા અને આગામી સૂચના ના મળે ત્યાં સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી જી.કે.દાસે કહ્યું હતું કે, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારા તરફ જ ટકરાય તેવી સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું ખુબ જ ભયાનક તોફાનમાં ફેરવાય તો તેની મહત્તમ ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે અને વાવાઝોડાના કેન્દ્રમાં ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક હશે.