નવી દિલ્હી: દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જોકે હજુ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતું જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, ચક્રવાત ‘બુલબુલ’ સુંદરવન ત્રિકોણ પ્રદેશ સહિતની ભારત-બાંગ્લાદેશ સરહદે 135 કિ.મી.ની ગતિએ ફુંકાતા પવન સાથે ત્રાટકશે. ત્યાર બાદ વાવાઝોડું નબળું પડશે. શુક્રવાર સવારે ચક્રવાત ‘બુલબુલ’ શક્તિશાળી બનવાની શરૂઆત થઈ ગઈ હતી.

આ વાવાઝોડું 9 નવેમ્બરે સવારે વધુ શક્તિશાળી બનીને ઉત્તર તરફ આગળ વધશે. ત્યાર બાદ તે ઉત્તર-પૂર્વ તરફ ફંટાશે અને પછી 10 નવેમ્બરે રવિવારે પરોઢિયે સુંદરવન ત્રિકોણપ્રદેશ પર સાગર ટાપુ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપરા (બાંગ્લાદેશ) વચ્ચેથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સરહદને પાર કરશે.

વાવાઝોડા સમયે 120 કિ.મી.થી 135 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આઈએમડીના જણાવ્યા પ્રમાણે, ઓડિશાના ઉત્તર કિનારા વિસ્તારોમાં સાધારણથી માંડીને ભારે વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈને તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વાવાઝોડું ત્રાટકે તે સમયે દરિયો તોફાની બનવાની અને એકથી દોઢ મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે. ભરતીને કારણે કાંઠાવિસ્તારના નીચાણવાળા વિસ્તારો ડૂબે તેવી પણ શક્યતા છે.

માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપવા સાથે ચેતવણી આપવામાં આવી છે કે કાચા મકાન અને વૃક્ષો તૂટી શકે છે. વીજપુરવઠો ખોરવાઈ શકે છે. આ સંજોગોમાં પશ્ચિમ બંગાળ અને ઓરિશા એમ બંને રાજ્યોની સરકારોને બીચ પર પ્રવૃત્તિઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.