નવી દિલ્હી:  બંગાળની ખાડીમાં લોપ્રેશરના કારણે ઉદભવેલા ચક્રવાત જવાદને લઈને હવામાન વિભાગે આંધ્રપ્રદેશથી ઓડિશા સુધી અલર્ટ આપ્યું છે.  જો કે ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો અને ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાના અલર્ટથી પ્રધાનમંત્રી મોદીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને તૈયારીની સમીક્ષા કરી હતી.


4 ડિસેમ્બર શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોને અથડાવાની શક્યતા છે. આ ઓછા પ્રેશરને કારણે ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની અને વધારે નુકસાન થવાની શક્યતા છે. વાવાઝોડું આવે તે પહેલા રેલવે વિભાગે પ્રભાવિત વિસ્તારોમાં 95 ટ્રેનો રદ કરી છે ગૃહ વિભાગે પણ પ્રભાવિત વિસ્તારોમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી છે. 


વર્ષ 1891થી 2020 દરમિયાન ડિસેમ્બર મહિનામાં એકવાર પણ વાવાઝોડું ઓડિશાના દરિયાકિનારે નથી અથડાયું.  130 વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત ત્રાટકશે. આ પહેલાં 1999માં સુપર સાઇક્લોન, 2013માં ફાઈલીન, 2014માં હૂડહૂડ, 2019માં ફાની, 2020માં અમ્ફાન બાદ ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે. જ્યારે ચાલુ વર્ષે ભારતમાં આવનારું આ આઠમું વાવાઝોડુ હશે. 


IMD એ કેટલાક જિલ્લાઓમાં રેડ,ઓરેન્જ અને યલ્લો એલર્ટ જારી કર્યું છે જેમાં આગામી થોડા દિવસો ‘ભારે’ થી ‘અતિ ભારે’ વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાત પર આ વાવાઝોડાનો કોઈ ખતરો નથી. રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો અને ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાના અલર્ટથી પ્રધાનમંત્રી મોદીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને તૈયારીની સમીક્ષા કરી હતી.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલું નીચા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં તીવ્ર બનશે અને 3 ડિસેમ્બરની આસપાસ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ડિસેમ્બરની આસપાસ ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે 4 વાગ્યે સવારે પહોંચશે.