અમદાવાદ: ‘ક્યાર’ બાદ ‘મહા’ વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. છેલ્લા 24 કલાકમાં 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 2.4 ઈંચ, સરેંદ્રનગરના લિંબડી 2.6 ઈંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઈંચ, ડાંગના સુબિરમાં બે ઈંચ, બનાસકાંઠાના થરાદમાં અને વાવમાં બે બે ઈંચ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. મોટાભાગના પાકને વ્યાપક નુકશાન થયું છે.



'મહા' વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ તેમ નબળું પડતું જશે.જેથી વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠાને કોઈ ખાસ અસર થાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી. પરંતુ, 'મહા' વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

'મહા' વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 5 થી 7 તારીખ દરમિયાન પ્રતિકલાક 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામા આવી છે.  આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. મહા વાવાઝોડાની આશંકાને લઈ વહિવટી તંત્ર સતર્ક હોવાની મુખ્યમંત્રીએ આપી હૈયાધારણા કરી છે. 'મહા' વાવાઝોડાની સંભવિત આફતને પહોંચી વળવા માટે માછીમારોને દરિયો ખેડવા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજયના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામા આવ્યું છે.