દંતેવાડાઃ છત્તીસગઢના દંતેવાડામાં ફરી એક વખત નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીના કાફલામાં નક્સલીઓએ આઇઈડી બ્લાસ્ટ કર્યો છે. કાફલામાં ભીમા મંડાવી પણ સામેલ હતા. હુમલામાં 3 જવાન શહીદ થયા છે. એન્ટી નક્સલ ઓપરેશનના ડીઆઈજી પી સુંદરરાજે જણાવ્યું કે, ભાજપ એમએલએ ભીમાનું પણ નકસલ હુમલામાં મોત થયું છે. તેમના ડ્રાઇવરનું પણ હુમલામાં મોત થયું છે. ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે.






ભીમા મંડાવી હુમલા બાદ લાપતા હતા. તેમના અંગે કોઈ માહિતી મળી નહોતી. બાદમાં તેમના મોતની પુષ્ટિ થઈ હતી. ધારાસભ્ય હુમલામાં સામેલ અંતિમ વાહનમાં હતા. હુમલો દંતેવાડાના શ્યામગિરી વિસ્તારમાં થયો હતો.


નક્સલીઓ દ્વારા આઈઈડી બ્લાસ્ટ બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. દંતેવાડા બસ્તર સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં 11 એપ્રિલે મતદાન થશે. વોટિંગથી લગભગ 36 કલાક પહેલાં નક્સલીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે. આ વિસ્તારમાં નક્સલીઓ સતત ચૂંટણી બહિષ્કારની વાત કરી રહ્યાં છે.