લખનઉમાં આયોજીત ડિફેન્સ એક્સ્પો 2020નું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ડિફેન્સ મૈન્યૂફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત અનેક વર્ષો સુધી મહત્વનો દેશ રહ્યો છે પરંતુ આઝાદી બાદ આપણે આ તાકાતનો ઉપયોગ ગંભીરતાથી કર્યો નથી. દુનિયાની બીજી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, બીજી સૌથી મોટી સેના અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રએ ક્યાં સુધી આયાત પર ભરોસો રાખવો પડશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના વિઝન પર ચાલતા ભારતે અનેક ડિફેન્સ ઉત્પાદનોના નિર્માણમાં ઝડપ લાવી છે. 2014 સુધી અહી 217 ડિફેન્સ લાયસન્સ હતા. જે છેલ્લા પાંચ વર્ષોમાં આ સંખ્યા 460 થઇ ગઇ છે.
મોદીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં અમે 35 હજાર કરોડ રૂપિયાના હથિયાર નિકાસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉત્તર પ્રદેશ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું મોટુ હબ બનવા જઇ રહ્યું છે. આ વર્ષે એક હજાર હથિયાર બનાવનારી કંપનીઓ ભાગ લઇ રહી છે. અમારી સરકારને ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઇના નિયમો હળવા બનાવ્યા છે. હવે ડિફેન્સ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇનો રસ્તો સાફ થઇ ગયો છે જેમાં 49 ટકા ઓટોમેટિવ રૂટથી સંભવ થઇ ગયો છે. ઉત્તર પ્રદેશમાં ડિફેન્સ કોરિડોર હેઠળ લખનઉ સિવાય, અલીગઢ, આગ્રા, ઝાંસી, ચિત્રકૂટ, કાનપુરમાં સ્થાપિત કરવામાં આવશે.