Acid Attack Case: આજે રાજધાની દિલ્હીના દ્વારકા મેટ્રો સ્ટેશન નજીક બાઇક પર સવાર યુવકોએ 17 વર્ષની છોકરી પર એસિડ ફેંક્યું હતું. આ મામલામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે જાહેરમાં જ સૌકોઈની સામે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને સંસદસભ્ય ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, જેમણે પણ વિદ્યાર્થિની પર એસિડ ફેંક્યો છે તેમને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવા જોઈએ.


ગૌતમ ગંભીરે વધુમાં ટ્વીટ કર્યું હતું કે, શબ્દો કોઈ ન્યાય કરી શકતા નથી. આપણે આ જાનવરોમાં ડર ઉભો કરવો પડશે. દ્વારકામાં એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંકનાર છોકરાને સૌકોઈની સામે ફાંસી આપી દેવાની જરૂરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગર પાસે મોહન ગાર્ડનમાં બે બાઇક પર સવાર લોકોએ એક સ્કૂલની છોકરી પર એસિડ ફેંક્યો હતો.


છોકરીને સફદરજંગમાં દાખલ કરવામાં આવી


યુવતીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેનો પ્રાથમિક મેડિકલ રિપોર્ટ સારો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દ્વારકા) હર્ષવર્ધન મંડાવાએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત યુવતીએ તેના પરિચિત બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કર્યા બાદ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતમાં લેવામાં આવેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.






દિલ્હીના સીએમએ શું કહ્યું?


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે કહ્યું હતું કે, ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેણે ટ્વિટ કર્યું કે, આ બાબત બિલકુલ સહન કરી શકાય નહીં. ગુનેગારોને આટલી હિંમત આવી કેવી રીતે? ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ. દિલ્હીની દરેક દીકરીની સુરક્ષા અમારા માટે મહત્વપૂર્ણ છે.


ડીસીપી મંડાવાએ જણાવ્યું હતું કે, મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનને બુધવારે સવારે 9 વાગ્યે આ ઘટના અંગે ફોન આવ્યો હતો. યુવતી તેની નાની બહેન સાથે હતી ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર એસિડ જેવો પદાર્થ ફેંકી દીધો હતો અને ભાગી ગયા હતા. આ યુવતી દ્વારકાની એક ખાનગી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. જોકે આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.


દિલ્હી મહિલા આયોગે પણ પાઠવી નોટિસ


પોલીસ ઘટના પહેલા અને બાદમાં આરોપીઓ જે રસ્તેથી આવ્યા અને ગયા તેની તપાસ કરવા માટે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે અને બાઇકની પણ શોધ કરવામાં આવી રહી છે. દિલ્હી મહિલા આયોગ (DCW)એ એસિડ એટેક કેસમાં હુમલાખોરોની ધરપકડ કરવા અને સજા કરવા માટે દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે.