નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી દેશની સૌથી મોટી સબજી મંડી આઝાદપુરમાં એક કારોબારીનું કોરોનાવાયરસ સંક્રમણથી મોત થયું છે. 57 વર્ષીય મૃતક કારોબારીના ત્રણ દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. કારોબારીના મોત બાદ આઝાદપુર મંડીના વેપારીઓમાં ડરનો માહોલ છે. લોકો આઝાદપુર મંડીને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. ગઈકાલે જ આઝાદપુર મંડીને 24 કલાક ખુલ્લી રાખવામાં આવી હતી.


મૃતક કારોબારીનું નામ ભોલાનાથ છે. ભોલાનાથને 19 એપ્રિલે તાવ અને શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ  મંગળવારે તેનો રિપોર્ટ આવ્યો તેમાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો હતો. મૃતક કારોબારી દિલ્હીની મેક્સ સાકેત હોસ્પિટલમાં ભરતી હતો. આઝાદપુર મંડીમાં કોરોનાથી મોતનો આ પ્રથમ મામલો છે.

મંડીમાં દરરોજ સેંકડો સંખ્યામાં લોકો આવે છે. કારોબારીના મોત બાદ હવે મંડીના લોકોમાં ડરનો માહોલ છે. કારોબારીઓ દ્વારા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

રાજધાની દિલ્હીમાં સંક્રમિત દર્દીની સંખ્યા 2156 થઈ છે. અત્યાર સુધીમાં સંક્રમણથી 47 લોકોના મોત થયા છે. જ્યારે 611 લોકો સ્વસ્થ થઈ ગયા છે.