નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક ટકા મતદાન થયું છે તેના આંકડાઓ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 62.59 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે કહ્યું કે, દિલ્હીમાં રાત સુધી મતદાન થઇ રહ્યું હતું.  ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ગઇકાલે મોડી રાત સુધી મતદાન થઇ રહ્યું હતું. રાત સુધી મશીનો આવતી રહી હતી. મશીનો સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવી તેને સીલ કરાયા છે. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું તેને લઇને આપ સરકારે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતું કે, આખરે ચૂંટણી પંચ મતની ટકાવારીના આંકડાઓ જાહેર કરવામાં કેમ મોડું કરી રહ્યું છે.


ચૂંટણી પંચે કહ્યું કે, સૌથી વધુ બલ્લીમારાનમાં 71.6 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન દિલ્હી કેન્ટમાં થયું છે જ્યાં 45.4 ટકા મતદાતાઓએ મતદાન કર્યું છે. ઓખલામાં 58.8 અને સીલમપુરમાં 71.22 ટકા મતદાન થયું છે. 62.55 મહિલા અને 62.62 ટકા પુરુષોએ મતદાન કર્યું છે.


આ અગાઉ આપ નેતા સંજય સિંહે કહ્યું કે, દિલ્હી ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું છે તે દિલ્હી અને દેશના લોકો જાણવા માંગે છે. ચૂંટણી પંચ મતની ટકા વારી બતાવવામાં આટલું મોડું કેમ કરી રહ્યું છે. લોકસભામાં ચૂંટણી પંચ એક કલાકની અંદર મતની ટકાવારી આપે છે, દિલ્હી જેવા નાના રાજ્યમાં આટલો વિલંબ કેમ ?