નવી દિલ્હીઃ દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ કુમાર ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે. દિલ્હી સરકાર કોરોના સામે લડવામાં નિષ્ફળ ગઈ છે તેવો આરોપ લગાવી બીજેપી નેતાઓ રાજઘાટ પર પ્રદર્શન કરતા હતા.




આ પહેલા એક જૂને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી રાજઘાટ પર કેજરીવાલ સરકાર સામે પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ દિલ્હી પોલીસે તિવારી અને બીજા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અનલૉક-1ના નવા નિયમો અંતર્ગત દેશમાં ક્યાંય પણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવી.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 219 પર પહોંચી છે.

જાણો કયા જિલ્લામાં છે કેટલા કન્ટેનમેન્ટ ઝોન
ઉત્તર દિલ્હીઃ 33
પૂર્વ દિલ્હીઃ 31
દક્ષિણ દિલ્હીઃ 28
પશ્ચિમ દિલ્હીઃ 26
ઉત્તર પશ્ચિમ દિલ્હીઃ 19
પૂર્વ દિલ્હીઃ 17
સેન્ટ્રલ દિલ્હીઃ 17
શાહદરાઃ 16
દક્ષિણ પૂર્વ દિલ્હીઃ 14
નવી દિલ્હીઃ 14
ઉત્તર પૂર્વ દિલ્હીઃ 4

દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે.